રણબીર કપૂર બનશે શ્રીરામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણના રોલમાં; બે ભાગમાં રજૂ થશે મેગા ફિલ્મ
નવી દિલ્હી: ભારતીય સિનેમાની સૌથી ભવ્ય અને બહુપ્રતિક્ષિત ફિલ્મ **’રામાયણ’**ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. નિર્દેશક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની આ મેગા ફિલ્મનો પ્રથમ ભાગ 6 નવેમ્બર, 2026ના રોજ, દિવાળીના બે દિવસ પહેલાં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
મેકર્સે રિલીઝ ડેટ સાથે ફિલ્મનું ખાસ ઇંગ્લિશ ટ્રેલર પણ લોન્ચ કર્યું છે, જેનાથી ફિલ્મને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તૈયારીનો સંકેત મળ્યો છે.
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણના પાત્રમાં જોવા મળશે. જ્યારે રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવશે. ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન રિલીઝ કરવામાં આવશે.
ટ્રેલરમાં શ્રીરામનો અવતાર, સીતા સ્વયંવર, 14 વર્ષનો વનવાસ અને રાવણ દ્વારા સીતાહરણ સુધીની કથાને ભવ્ય VFX અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રોડક્શન ક્વોલિટી સાથે રજૂ કરવામાં આવી છે.
રણબીર કપૂરે જણાવ્યું કે, ‘રામાયણ’ એ માત્ર પૌરાણિક કથા નથી, પરંતુ સત્ય, ધર્મ અને આદર્શ જીવનના મૂલ્યો શીખવતી અનંત ગાથા છે. તેમના જણાવ્યા મુજબ આ કથાને આધુનિક બનાવવાની જરૂર નથી, કારણ કે તેની પ્રાસંગિકતા આજે પણ એટલી જ મજબૂત છે.
વિશ્વસ્તરીય ટેક્નોલોજી, ભવ્ય સેટ્સ અને શક્તિશાળી સ્ટારકાસ્ટ સાથે તૈયાર થઈ રહેલી ‘રામાયણ’ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોમાં સ્થાન મેળવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.









