એન્ટી પેપર લીક બિલ પર લોકસભામાં ઘમાસાણ: રાહુલ ગાંધીના નિવેદનથી કાર્યવાહી ઠપ્પ

ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આક્ષેપ બાદ શાસક પક્ષનો જોરદાર વિરોધ; પુરાવા અથવા માફીની માંગ સાથે લોકસભા બે વખત સ્થગિત

નવી દિલ્હી: એન્ટી પેપર લીક સુધારા બિલ પર લોકસભામાં બીજા દિવસે થયેલી ચર્ચા ભારે હોબાળા વચ્ચે ગરમાઈ ગઈ હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક વિરોધી આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આક્ષેપ કરતાં ગૃહમાં ભારે રાજકીય ટકરાવ સર્જાયો હતો. હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં દાવો કર્યો કે આંદોલનકારીઓ સામે થયેલી કડક પોલીસ કાર્યવાહી ઉચ્ચ સ્તરના આદેશથી થઈ હતી. તેમના નિવેદન બાદ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ સહિત શાસક પક્ષના સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવી રાહુલ ગાંધી પાસેથી આક્ષેપોના પુરાવા રજૂ કરવા અથવા જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ ગાંધીને તથ્ય આધારિત નિવેદન આપવા સૂચના આપી હતી. જોકે, બંને પક્ષ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનતાં ગૃહની કાર્યવાહી વારંવાર ખોરવાઈ હતી.

ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ નીટ પેપર લીક, વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને દેશની શિક્ષણ વ્યવસ્થા અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે વિદ્યાર્થીઓના હિતોની અવગણના થઈ રહી છે અને શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારાની જરૂર છે.

બીજી તરફ શાસક પક્ષે રાહુલ ગાંધીના નિવેદનોને ભ્રામક અને બિનઆધારભૂત ગણાવતાં તેને સંસદીય પરંપરાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. કિરણ રિજિજુએ સ્પષ્ટ કર્યું કે પુરાવા વિના ગૃહમંત્રી સામે આવા ગંભીર આરોપો સ્વીકાર્ય નથી અને જરૂરી સંસદીય કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

હોબાળા બાદ લોકસભા અધ્યક્ષની ચેમ્બરમાં વરિષ્ઠ મંત્રીઓ અને સંસદીય નેતાઓની બેઠક યોજાઈ હતી. રાહુલ ગાંધીના નિવેદનને લઈને આગળ શું કાર્યવાહી થશે તેના પર હવે રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.

Leave a Comment

Traffic Tail