દમણથી આવતી યાકુબ મોટાણીની સપ્લાય ચેઇન તોડી; રામનાથપરામાં ખુલ્લેઆમ દારૂ વેચતો બુટલેગર અને હિસ્ટ્રીશીટર સપ્લાયર ઝડપાયા
રાજકોટ: શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ સતત કાર્યવાહી કરતાં એક જ દિવસમાં બે સફળ દરોડા પાડી 1,344 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં દમણથી રાજકોટ સુધી ચાલતી બુટલેગર યાકુબ મોટાણીની સપ્લાય લિંક તોડી પાડવામાં આવી, જ્યારે રામનાથપરામાં જાહેરમાં દારૂ વેચતો બુટલેગર અને તેનો હિસ્ટ્રીશીટર સપ્લાયર પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
PCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કોસ્મેટિક્સના ખોટા બિલ હેઠળ છુપાવી મોકલાયેલ 1,104 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે અંદાજે ₹2.74 લાખનો દારૂનો જથ્થો કબજે કરી લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસાભાઈ મોટાણી તથા રાજકોટના રિસીવરની શોધખોળ શરૂ કરી છે.
બીજી કાર્યવાહીમાં PCBની ટીમે રામનાથપરા વિસ્તારમાં દરોડો પાડી ફિરોઝ હાજીભાઈ સોઢાને પોતાના મકાનની બહારથી જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતાં રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે તેના કબજામાંથી 240 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.
પૂછપરછ દરમિયાન ફિરોઝે દારૂનો જથ્થો હિસ્ટ્રીશીટર રાજેશ ઉર્ફે ભોપલો ચાવડા પાસેથી મેળવ્યાનું કબૂલતાં પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. રાજેશ સામે અગાઉ હત્યાના પ્રયાસ સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
PCBની આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદે દારૂના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ સમગ્ર સપ્લાય ચેઇન, નાણાકીય વ્યવહાર અને અન્ય સંડોવાયેલા બુટલેગરો સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.









