ગુજરાતમાં ચોમાસાની મજબૂત જમાવટ: સિઝનનો કુલ વરસાદ 45.84 ટકા, નર્મદા ડેમ 68.33 ટકા ભરાયો

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર, રાજ્યના 206 જળાશયોમાં જળસંગ્રહ વધ્યો; 15 ડેમ હાઈ એલર્ટ પર

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું હવે ગતિ પકડી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 45.84 ટકા સરેરાશ વરસાદ નોંધાતા જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. સારા વરસાદના કારણે રાજ્યના ડેમો અને જળાશયોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

સરકારી આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 73.67 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છ ઝોનમાં માત્ર 6.32 ટકા વરસાદ થયો છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 22.15 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 35.94 ટકા અને સૌરાષ્ટ્રમાં 38.68 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 206 જળાશયોમાં હાલ 43.37 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં 68.33 ટકા પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે રાજ્યના 10 જળાશયો સંપૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયા છે.

જળાશયોની સ્થિતિ મુજબ 24 જળાશયો 70થી 100 ટકા, 22 જળાશયો 50થી 70 ટકા, 50 જળાશયો 25થી 50 ટકા અને 100 જળાશયો 25 ટકા સુધી ભરાયેલા છે.

જળસ્તરમાં સતત વધારો થતાં રાજ્યના 15 જળાશયો હાઈ એલર્ટ, 5 જળાશયો એલર્ટ અને 4 જળાશયો ચેતવણી હેઠળ રાખવામાં આવ્યા છે. સિંચાઈ વિભાગ દ્વારા તમામ જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પાણીના નિયંત્રિત વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail