મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આગામી ચાર દિવસ સુધી મેઘમહેર યથાવત
અમદાવાદ: રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે પણ અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય હવામાન પ્રણાલીઓના કારણે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અમલમાં છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
26 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે.
27 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 28 જુલાઈએ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 29 જુલાઈથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, જોકે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા રહેશે.
હવામાન વિભાગે નાગરિકોને નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.









