ગાંધીનગર: નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મોસમી રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ, ક્લોરીન ટેબલેટ્સ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ રાહત શિબિરોમાં સ્થળાંતરિત લોકોના નિયમિત આરોગ્ય ચેકઅપ અને સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાંથી સગર્ભા મહિલાઓને અગાઉથી સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી.
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પરિસ્થિતિની સ્થળ પર સમીક્ષા કરવા તેઓ સુરત અને નવસારીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રવાના થયા છે.








