નવી દિલ્હી: નીટ પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન હવે દેશવ્યાપી બની ગયું છે. મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે, જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ પણ આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું છે.
મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું છે. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પણ આંદોલનના સમર્થનમાં સક્રિય બન્યા છે. બીજી તરફ, સમાજસેવક અન્ના હજારે પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
દિલ્હીમાં જંતર-મંતર આસપાસ સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. 16 મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા છે અને ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસે 500 અજાણ્યા લોકો સામે ગુનો નોંધી 40 જેટલા દેખાવકારોને કસ્ટડીમાં લીધા છે.
વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામા અને પેપર લીકના દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી રહ્યા છે.








