સુરેન્દ્રનગર: જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે સુરેન્દ્રનગર પોલીસે વિશેષ ઓપરેશન ચલાવી મોટી સફળતા મેળવી છે. રાજકોટ રેન્જ આઈજી નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી 12 આરોપીઓને ઝડપી અનેક ગેરકાયદેસર હથિયારો અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.
થાનગઢ, જોરાવરનગર, ચુડા, ધજાળા, આનંદપુર અને ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં કરાયેલી કાર્યવાહીમાં પિસ્તોલ, દેશી બનાવટના હથિયારો સહિતનો જથ્થો મળી આવ્યો છે. તમામ આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધી તપાસ આગળ ધપાવવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ચોટીલા-સાળંગપુર રોડ પરથી ઝડપાયેલા આરોપી પાસેથી મળેલી કડીઓના આધારે સમગ્ર સપ્લાય નેટવર્કનો ભેદ ઉકેલાયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ મોટી ગુનાહિત ઘટના બને તે પહેલાં જ આ નેટવર્કને તોડી પાડવામાં સફળતા મળી છે.








