વલસાડ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી છે. માત્ર 6 કલાકમાં વલસાડમાં 6 ઇંચ અને પલસાણા, પારડી તથા ઉમરગામમાં 5-5 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે.
ભારે વરસાદને કારણે સુરતની ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે, જ્યારે વલસાડના વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. અંભેટી નજીક પાણીમાં ફસાયેલી બસમાંથી 16 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
હવામાન વિભાગે વલસાડ સહિત પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.









