ભારે વરસાદની અસર: અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેન સેવા ખોરવાઈ, ત્રણ ટ્રેનો ટૂંકા રૂટ સુધી મર્યાદિત

અમદાવાદ: મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને કારણે મુંબઈ રેલવે ડિવિઝનના ઉદવાડા અને પારડી વચ્ચે રેલવે ટ્રેકની બાજુની માટી ધસી પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ ત્રણ મહત્વની ટ્રેનોને ગંતવ્ય પહેલાં જ શોર્ટ ટર્મિનેટ કરવાનો નિર્ણય લીધો છે.

તે મુજબ 12934 અમદાવાદ-બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ, 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી અને 20908 ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસને સુરત સુધી જ દોડાવવામાં આવી હતી.

ટ્રેન સેવા પ્રભાવિત થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે વિભાગ દ્વારા અસરગ્રસ્ત સ્થળે તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અને ટ્રેક સુરક્ષિત બન્યા બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત્ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail