રાજકોટ, તા. 22: સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત છે, જ્યારે અરબી સમુદ્રમાં તોફાની પવન અને ઉછળતા મોજાંને પગલે વેરાવળ, અલંગ સહિતના બંદરો પર 3 નંબરના ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે 25થી 28 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, મેંદરડા, ભેસાણ તેમજ ભાવનગર જિલ્લાના ઘોઘા, સિહોર અને તળાજા સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. રાજકોટ અને જામનગર જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાંથી વાતાવરણ ઠંડું બન્યું છે.
તોફાની દરિયાની આગાહીને ધ્યાનમાં રાખી માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અને સમુદ્રમાં રહેલી તમામ બોટોને સુરક્ષિત રીતે બંદરે પરત લાવવાની સૂચના આપવામાં આવી છે. બંદર તંત્રે હાઈ એલર્ટ જાહેર કરી જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
બીજી તરફ, ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા સતત પાંચમા દિવસે પણ બંધ રાખવામાં આવી છે. પવનની ઝડપ સામાન્ય બન્યા બાદ જ રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે.









