રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક વિકાસને વેગ: રૂ.21 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ, પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધાઓ

ગાંધીનગર: રાજ્યના પછાત અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકારે રૂ.21 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ વિકાસ યોજનાઓને રાજ્યના સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ રૂ.5.99 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરકારી કુમાર છાત્રાલય અને આણંદ જિલ્લાના ખંભાત ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા રૂ.7.15 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા સરકારી કુમાર છાત્રાલયનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.

સાથે જ ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે રૂ.4.50 કરોડના ખર્ચે માનસિક બીમારીમાંથી સ્વસ્થ થયેલી મહિલાઓ માટે નિર્માણ પામેલા આધુનિક પુનર્વસન ગૃહનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બોટાદ જિલ્લામાં રૂ.3.95 કરોડના ખર્ચે બનનારા નવા સરકારી કુમાર છાત્રાલયનું ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું.

મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર શિક્ષણ અને સામાજિક સમાનતાને પ્રાથમિકતા આપી રહી છે. આધુનિક છાત્રાલયો પછાત વર્ગના વિદ્યાર્થીઓને સુરક્ષિત રહેઠાણ, અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ અને સ્પર્ધાત્મક ભવિષ્ય માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડશે.

તેમણે જણાવ્યું કે ડભોડા ખાતેનું પુનર્વસન ગૃહ માત્ર એક ઇમારત નથી, પરંતુ માનસિક બીમારીમાંથી સાજા થયેલી મહિલાઓને સન્માનપૂર્વક સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો સંવેદનશીલ પ્રયાસ છે.

કાર્યક્રમ દરમિયાન ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગાર લોન યોજના અંતર્ગત બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના અરજદારોમાંથી કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા કુલ 614 લાભાર્થીઓની પારદર્શક રીતે પસંદગી કરવામાં આવી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારની પારદર્શક કાર્યપદ્ધતિને કારણે યોજનાઓનો લાભ સાચા હકદાર સુધી પહોંચી રહ્યો છે. આર્થિક સહાયથી યુવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બનશે, જે રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

Leave a Comment

Traffic Tail