રાજકોટ પીસીબીનો સૌથી મોટો પ્રહાર: ‘વેપન કાર્ટેલ’નો પર્દાફાશ, 11 આરોપી ઝડપાયા; 24 ગેરકાયદે પિસ્તોલ અને 30થી વધુ કારતૂસ જપ્ત

રાજકોટ: રાજકોટ શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ રાજ્યમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરીને ‘વેપન કાર્ટેલ’ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસના સઘન ઓપરેશનમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 24 દેશી બનાવટની પિસ્તોલ અને 30થી વધુ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

અષાઢી બીજ અને રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગુનાખોરી સામે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી હતી. આ દરમિયાન પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલિયાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશનો શકીલ સાદીક મન્સુરી વાંકાનેર ચોકડી નજીક ગેરકાયદે હથિયારોની ડિલિવરી કરવા આવવાનો છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી શકીલને 5 દેશી પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં મધ્યપ્રદેશના મીરજાપુરથી રાજકોટ સુધી ફેલાયેલા ગેરકાયદે હથિયાર સપ્લાય નેટવર્કનો ભાંડો ફૂટ્યો હતો.

આ માહિતીના આધારે પોલીસે ચોટીલા અને બોધરાવદર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. શરૂઆતની કાર્યવાહીમાં 16 હથિયારો, 30 જીવતા કારતૂસ, મોબાઇલ ફોન સહિત રૂ.2.03 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા બાદ થયેલી વધુ પૂછપરછમાં આરોપી પ્રદીપ કરપડાએ વડવાજડી વિસ્તારમાં રહેતા સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને બે હથિયારો સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે સંદીપસિંહની ધરપકડ કરીને બંને પિસ્તોલ જપ્ત કરી હતી.

તપાસ આગળ વધતાં મુખ્ય સૂત્રધાર શકીલે જયપાલ રાજેશ ડેડાણીયાને બે પિસ્તોલ આપ્યા હોવાનો અને પ્રદીપ કરપડાએ આરીફ ગફાર પઠાણને એક પિસ્તોલ તથા બે જીવતા કારતૂસ સપ્લાય કર્યા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈને ગેરકાયદે હથિયારો કબજે કર્યા હતા.

સઘન તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓના નામ સામે આવતા પોલીસે ધૃવ ઉર્ફે કનૈયો સુનીલગીરી ગૌસ્વામી, જયરાજ ઉર્ફે લાલો પીઠુ ખાચર અને શ્યામ રાજુ પરમારની ધરપકડ કરી હતી. ત્રણેય પાસેથી એક-એક દેશી પિસ્તોલ કબજે કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોજશોખ અને સમાજમાં રોફ જમાવવા માટે રૂ.20થી 25 હજાર ચૂકવી હથિયારો ખરીદ્યાની કબૂલાત આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ સામે અગાઉથી હત્યા, હુમલા, પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર ઓપરેશન સાથે રાજકોટ પીસીબીએ 11 આરોપીઓ પાસેથી કુલ 24 ગેરકાયદે હથિયારો અને 30થી વધુ જીવતા કારતૂસ જપ્ત કરીને રાજ્યમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી સામેની સૌથી મોટી કાર્યવાહી નોંધાવી છે. સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો, સપ્લાય ચેઇન અને આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail