નવી દિલ્હી: ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વિરામ વચ્ચે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાતા ચોમાસું ફરી સક્રિય થવાની આશા જાગી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના બુલેટિન મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ આગામી દિવસોમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને વરસાદી પ્રવૃત્તિમાં વધારો કરી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળની ખાડી અને દક્ષિણ બાંગ્લાદેશ ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક આજે સવારે લો-પ્રેશર વિસ્તાર બન્યો છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આશરે 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.
આ સિસ્ટમ આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. બીજી તરફ ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર પણ આશરે 5.8 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
આ ઉપરાંત ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. હાલ ચોમાસાની ધરી જમ્મુ, દેહરાદૂન, બરેલી, ગોરખપુર, પટણા, બાંકુરા અને લો-પ્રેશર વિસ્તાર થઈને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 20 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ મર્યાદિત વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે 17થી 20 જુલાઈ દરમિયાન કોંકણ અને ગોવા વિસ્તારમાં વ્યાપક વરસાદ પડી શકે છે.
વિભાગે વધુમાં જણાવ્યું છે કે 16 જુલાઈ સુધી કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને અંડરસ્ટોર્મની શક્યતા રહેશે. મરાઠવાડાના એકાદ-બે વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.









