મેક્સિકો: મેક્સિકોના પશ્ચિમ રાજ્ય જાલિસ્કોમાં સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 2 બાળકો સહિત 9 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતા અને ભયનો માહોલ સર્જાયો હતો.
આ દુર્ઘટના ગ્વાડાલાજારા-ટેપિક હાઈવે પર હોસ્તોતિપાક્વિલો ગામ નજીક બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, એક બેકાબૂ ટ્રકે અનેક વાહનોને જોરદાર ટક્કર મારતા બે માલવાહક ટ્રક સહિત કુલ પાંચ વાહનો અકસ્માતમાં સપડાયા હતા.
ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ બે ટ્રક અને અન્ય વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગની લપેટોમાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં ચાર અમેરિકન નાગરિકો તેમજ નેશનલ ગાર્ડના બે જવાનોનો પણ સમાવેશ થાય છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.
અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં હાઈવે પર આગની જ્વાળાઓમાં ઘેરાયેલા વાહનો અને બચાવ કામગીરીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક તંત્રએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.









