અમદાવાદનો વિશ્વવિક્રમ: મિયાવાકી પદ્ધતિથી એક કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. ભાડજ ખાતે યોજાયેલા આ મહાઅભિયાનમાં હજારો લોકોની જનભાગીદારી જોવા મળી હતી.

આ અભિયાન આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયું હતું, જેમાં લગભગ 76,000 ચોરસ મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વિશ્વવિક્રમ સર્જવાના આ પ્રયાસમાં 25 હજારથી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહભેર જોડાયા હતા.

આ અભિયાનને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે પણ જોડવામાં આવ્યું છે. આ અંતર્ગત સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ અને અમદાવાદ શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ભાડજ ખાતે ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડ વિસ્તારમાં ગોતા-ગોધવી કેનાલ નજીક યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી, મેયર, મુખ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અભિયાન દરમિયાન સ્થાનિક પ્રજાતિના અંદાજે 35 પ્રકારના રોપાઓ મિયાવાકી પદ્ધતિથી એક જ સ્થળે એક કલાકમાં વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષો ભવિષ્યમાં જૈવ વૈવિધ્યના સંવર્ધન, વાયુ પ્રદૂષણમાં ઘટાડો, કાર્બન શોષણ, તાપમાન નિયંત્રણ અને શહેરના હરિયાળા આવરણમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ વિશ્વવિક્રમી અભિયાનમાં AMCના વિવિધ વિભાગો ઉપરાંત BAPS સ્વામિનારાયણ સંસ્થા, CREDAI, પોલીસ, NCC, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો અને હજારો નાગરિકો જોડાયા હતા.

AMCએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ જનભાગીદારી, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ટકાઉ શહેરી વિકાસનું જીવંત પ્રતિક છે. આગામી સમયમાં પણ શહેરમાં હરિયાળી વધારવા માટે આવા વિશાળ અભિયાનોને વધુ વેગ આપવામાં આવશે.

Leave a Comment

Traffic Tail