ગાંધીનગર: રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધી સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. ઝોનવાર વરસાદના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.70 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો 1.92 ટકા વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 17.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પર વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 65.32 ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 41.41 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાનું સરકારી આંકડાઓ દર્શાવે છે.
જળાશયોની સ્થિતિ મુજબ 5 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 20 જળાશયોમાં 70થી 100 ટકા, 24 જળાશયોમાં 50થી 70 ટકા, 51 જળાશયોમાં 25થી 50 ટકા અને 16 જળાશયોમાં 25 ટકા સુધી જળસંગ્રહ નોંધાયો છે. સુરક્ષાના ભાગરૂપે હાલમાં 9 જળાશયો હાઈ એલર્ટ, 6 એલર્ટ અને 10 જળાશયો ચેતવણીના સ્તર પર રાખવામાં આવ્યા છે.
ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 8,324 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRFની 11 અને SDRFની 24 ટીમો દ્વારા સતત બચાવ કામગીરી હાથ ધરી અત્યાર સુધીમાં 3,711 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
વરસાદની અસર વીજ વ્યવસ્થા પર પણ જોવા મળી છે. રાજ્યમાં 14 વીજ ફીડર, 299 વીજ પોલ અને 48 વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત્ કરવા માટે સંબંધિત વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
રાજ્ય સરકાર અને વિવિધ બચાવ એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે અને જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.









