અમદાવાદ: જુનાગઢ અને ગીર સોમનાથ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ જિલ્લામાં સવારે માત્ર બે કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા, અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી હતી. વલસાડમાં સવારે 6થી 8 વાગ્યા દરમિયાન 155 મીમી (6.10 ઈંચ) વરસાદ નોંધાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અનેક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
વલસાડ ઉપરાંત ડાંગમાં 79 મીમી, નવસારીના ગણદેવીમાં 55 મીમી, વલસાડના પારડીમાં 54 મીમી, નાના પૌઢામાં 52 મીમી, સુરતના મહુવામાં 50 મીમી, કપરાડા અને ડોલવણમાં 46 મીમી તેમજ વાપીમાં 42 મીમી વરસાદ નોંધાયો હતો.
બીજી તરફ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના માંગરોળમાં 321 મીમી નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવા છતાં મહેસાણાના કડીમાં આશરે 9 ઈંચ વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગે 6 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત આસપાસ ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત એકસાથે પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી આગામી દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની શક્યતા છે.
ચોમાસું હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સક્રિય બની ગયું છે અને અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ 8.46 ટકા નોંધાયો છે. અગાઉ કોરા રહેલા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થતાં હવે માત્ર 17 તાલુકા જ વરસાદથી વંચિત રહ્યા છે.









