મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાએ જોરદાર વાપસી કરતાં રાતભર પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. ભારે વરસાદના કારણે જનજીવન તેમજ વાહનવ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને કોંકણ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
નવી મુંબઈના વાશી સ્થિત એશિયાના સૌથી મોટા ગણાતા APMC માર્કેટમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શાકભાજી, ફળ અને અનાજ બજારના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વેપારીઓ, મજૂરો અને ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
માર્કેટમાં પાણી ભરાવાના કારણે વેપારને મોટો ફટકો પડ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ કરોડો રૂપિયાના વેપાર પર અસર પડી છે, જ્યારે ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બીજી તરફ, ભારે વરસાદને કારણે મુંબઈ અને નવી મુંબઈને જોડતા સાયન–પનવેલ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. રસ્તાઓ પર પાણી ભરાવા, વિવિધ વિકાસકાર્યો અને વધેલા ટ્રાફિકના કારણે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા હતા.
મરીન ડ્રાઇવ સહિત મુંબઈના અનેક ઉપનગરોમાં પણ સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તેમજ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરી છે.









