ગાંધીનગર: ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચે વેપાર, રોકાણ અને ઔદ્યોગિક સહયોગને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ સ્થિત આયર્લેન્ડના કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયર્લેન્ડના ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં ઉપલબ્ધ વિશાળ રોકાણ અને વેપારની તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે રાજ્યની ઉદ્યોગલક્ષી નીતિઓ, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણકારોને અનુકૂળ વાતાવરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે બંને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા તેમજ વેપારિક સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતને વૈશ્વિક રોકાણ માટેના પસંદગીના ગંતવ્ય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
આયર્લેન્ડના કોન્સુલ જનરલ પેટ્રિક ડફીએ ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરી હતી અને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે રોકાણ અને વેપારના નવા અવસરો વિકસાવવા માટે સહયોગ વધારવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મુલાકાતથી ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચેના આર્થિક તથા ઔદ્યોગિક સંબંધોને નવી દિશા મળશે અને ભવિષ્યમાં વધુ રોકાણ તેમજ સહયોગના માર્ગો ખુલશે.









