મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે લોકપ્રિય લોકગાયક અને કલાકાર હકાભા ગઢવીનું ખુલ્લું સમર્થન મળ્યું છે. ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે હકાભા ગઢવીએ ખેડૂતોની લડતને ન્યાયસંગત ગણાવી તેમની સાથે ઉભા રહેવાની જાહેરાત કરી છે.
હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યાઓ અને માંગણીઓ અંગે સરકાર સાથે ચર્ચા કરવા માટે જે પ્રતિનિધિ મંડળ અથવા કમિટી રચવામાં આવશે તેમાં જોડાવા માટે તેઓ તૈયાર છે. ખેડૂતો અને સરકાર વચ્ચે સંવાદ દ્વારા ઉકેલ આવે તે માટે તેઓ મધ્યસ્થીની ભૂમિકા ભજવવા પણ ઇચ્છુક હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, જો સરકાર દ્વારા ખેડૂતોની વાજબી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તેઓ પોતે પણ ખેડૂતો સાથે ઉપવાસ આંદોલનમાં જોડાશે. તેમના આ નિવેદન બાદ ખેડૂત આગેવાનો અને આંદોલનકારીઓમાં નવી ઊર્જા જોવા મળી રહી છે.
જેતપર ખાતે ખેડૂતોનું આંદોલન છેલ્લા કેટલાક સમયથી વિવિધ મુદ્દાઓને લઈને ચાલી રહ્યું છે. આંદોલનને હવે સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની જાણીતી હસ્તીઓનું સમર્થન મળતા સમગ્ર રાજ્યનું ધ્યાન આ તરફ કેન્દ્રિત થયું છે.
ખેડૂત આગેવાનોએ હકાભા ગઢવીના સમર્થનને આવકારીને જણાવ્યું હતું કે, સમાજના વિવિધ વર્ગોનો મળતો ટેકો તેમની લડતને વધુ મજબૂત બનાવશે. બીજી તરફ સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે આગામી દિવસોમાં ચર્ચા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.









