નવી દિલ્હી: દેશના પર્વતીય રાજ્યો હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને કુદરતી આફતોએ જનજીવનને અસરગ્રસ્ત બનાવ્યું છે. હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે મોટા પાયે નુકસાન નોંધાયું છે.
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના નિચાર બ્લોક હેઠળ આવેલા કાચરંગ વિસ્તારમાં મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યે વાદળ ફાટતાં કાચરંગ નાળામાં અચાનક પૂર આવ્યું હતું. પાણીના પ્રચંડ પ્રવાહે રસ્તાઓ, સંપર્ક માર્ગો અને અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
પૂરના કારણે જળશક્તિ વિભાગની પાઇપલાઇનો અને બે ઇનટેક ટેન્કો પણ નાશ પામી છે, જેના કારણે વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત કાદવ અને કાટમાળના પ્રવાહથી સફરજનના બગીચાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
બીજી તરફ અરુણાચલ પ્રદેશના કેયી પન્યોર જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. યાજાલી સર્કલ વિસ્તારમાં સુરક્ષા દીવાલ ધરાશાયી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હતું, જેના કારણે અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટનામાં 18 મકાનોને નુકસાન પહોંચ્યું છે અને ત્રણ લોકો લાપતા હોવાની માહિતી મળી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને રંગા નદી ડેમમાંથી નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને સુરક્ષાના કારણોસર વીજ ઉત્પાદન પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે.
અરુણાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના અનેક ભાગો બંધ થઈ ગયા છે. પરિણામે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને ઘણા પ્રવાસીઓ રસ્તાઓ પર ફસાઈ ગયા છે.
આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફ સહિતની ટીમોને તહેનાત કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.









