અમદાવાદમાં બાળ સુરક્ષાનું મેગા અભિયાન, 2024થી 276 બાળકોનું રેસ્ક્યૂ

અમદાવાદ: બાળ સુરક્ષા અને બાળ કલ્યાણ માટે અમદાવાદ પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સરકારી વિભાગો દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. વર્ષ 2024થી અત્યાર સુધીમાં કુલ 276 બાળકોને રેસ્ક્યૂ કરીને તેમના પુનર્વસન માટે કાર્યવાહી કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ અભિયાન હેઠળ 33 ગુમ થયેલા બાળકોને શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે ફરીથી મિલન કરાવવામાં આવ્યું છે. ઉપરાંત, ભિક્ષાવૃત્તિમાં ધકેલાયેલા બાળકોને બચાવવા માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં JJ એક્ટ હેઠળ 22 કેસ નોંધવામાં આવ્યા હતા અને 67 બાળકોને રેસ્ક્યૂ કરીને તેમને અમદાવાદ મહાનગરપાલિકાની શાળાઓમાં શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે.

બાળમજૂરી સામે પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અંતર્ગત 33 કેસ નોંધવામાં આવ્યા હતા અને 107 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેમના પુનર્વસન માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય બાળ તસ્કરીના એક ગંભીર રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં માત્ર 15 દિવસના નવજાત બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો, જેને બાળ સુરક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

મહિલા સુરક્ષા સંબંધિત અભિયાનોમાં પણ GP એક્ટ હેઠળ 57 કેસ નોંધવામાં આવ્યા છે. સાથે જ શહેરમાં 40થી વધુ સ્વતંત્ર એન્ટી-બેગિંગ ડ્રાઇવ યોજીને ભિક્ષાવૃત્તિ સામે જાગૃતિ અને કડક અમલવારી કરવામાં આવી છે.

વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં 60થી વધુ બાળકો અને 89 પુખ્ત વ્યક્તિઓને રેસ્ક્યૂ કરીને તેમના પુનર્વસન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલા એન્ટી-બેગિંગ અભિયાનના પ્રથમ જ દિવસે પશ્ચિમ અમદાવાદમાંથી 44 બાળકો સહિત કુલ 64 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

રેસ્ક્યૂ કરાયેલા બાળકોને શિક્ષણ, કાઉન્સેલિંગ, આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાની પ્રક્રિયા ચાલુ છે. તંત્રનું માનવું છે કે આવા અભિયાનો દ્વારા બાળકોને સુરક્ષિત અને સન્માનજનક જીવન તરફ આગળ વધવાની તક મળી રહી છે.

Leave a Comment

Traffic Tail