અંજાર: કચ્છ જિલ્લાના અંજારમાં પોલીસે દારૂની હેરાફેરીના એક અનોખા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બંગડીના પાર્સલના નામે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, પોલીસે કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ પાર્સલની ચકાસણી કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પાર્સલમાં કાચની બંગડીઓ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ પાર્સલ ખોલતાં અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ. 1.63 લાખ કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ મામલે હિંમત જોઇસર, ઉદય માતંગ અને હુશેન શેખડાડા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પાર્સલ રાજસ્થાનના જોધપુર સ્થિત “ઉષા બેંગલ્સ” નામે મોકલવામાં આવ્યું હતું. જોકે માલ મોકલનાર મુખ્ય આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
પોલીસે સમગ્ર રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અગાઉ પણ આ રીતે દારૂની હેરાફેરી કરવામાં આવી હતી કે નહીં તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાએ ગેરકાયદે દારૂના વેપારમાં અપનાવવામાં આવતી નવી રીતો અંગે પણ સવાલો ઉભા કર્યા છે.
અંજાર પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લામાં દારૂની હેરાફેરી અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.









