![]()
નાણામંત્રી નિર્મલા સીતારમણે 29 જાન્યુઆરીએ લોકસભામાં દેશનું “આર્થિક રિપોર્ટ કાર્ડ” એટલે કે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં નાણાકીય વર્ષ 2026-2027માં GDP ગ્રોથ 6.8%થી 7.2%ની રેન્જમાં રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં મોંઘવારીએ તમારી થાળી પર કેટલી અસર કરી છે, ખેતી-ખેડૂતોની સ્થિતિ શું છે અને આવનારા સમયમાં તમારા માટે નવી નોકરીઓ વધશે કે નહીં એની માહિતી પણ સર્વેમાં આપવામાં આવી છે. સર્વેમાં રક્ષા ક્ષેત્ર, રેલવે અને અગ્રીકલ્ચર, આ ત્રણ ક્ષેત્રોમાં દેશનું 75% બજેટ ફાળવવામાં આવે તેવી પૂરી સંભવના છે. ઇકોનોમિક સર્વે સંબંધિત 7 મોટી વાત… 1. મોંઘવારી: ઇકોનોમિક સર્વે 2026 મુજબ, આરબીઆઈ (RBI) અને આઈએમએફ (IMF)એ અનુમાન લગાવ્યું છે કે આવનારા નાણાકીય વર્ષમાં મોંઘવારી દરમાં ધીમે ધીમે વધારો થશે. એ 4%ના નિર્ધારિત લક્ષ્ય (± 2%)ના દાયરામાં રહેશે. ખરીફના સારા ઉત્પાદન અને રવીના સારા વાવેતરને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર 2025માં RBIએ નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારી દરનો અંદાજ 2.6%થી ઘટાડીને 2% કર્યો હતો. RBIનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ અને બીજા ક્વાર્ટર (Q1 અને Q2)માં મોંઘવારી દર: 3.9% અને 4% રહી શકે છે. IMFએ નાણાકીય વર્ષ 2026માં મોંઘવારી દર 2.8% અને નાણાકીય વર્ષ 2027માં 4% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. 2. GDP: સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી નાણાકીય વર્ષ (FY27)માં ભારતનો જીડીપી ગ્રોથ 6.8%થી 7.2% ની વચ્ચે રહી શકે છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને અસ્થિરતા છતાં ભારતીય અર્થતંત્રની ગતિ મજબૂત બની રહી છે. સર્વે અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ (FY26)માં વિકાસદર 7.4% રહેવાની અપેક્ષા છે, જે RBIના 7.3%ના અનુમાન કરતાં પણ વધુ છે. 3. નોકરી: ભારતનો 56 કરોડથી વધુનો વર્કફોર્સ દેશની આર્થિક પ્રગતિનું સૌથી મોટું એન્જિન છે. ટેક્સ સુધારા, નિયમોના સરળીકરણ અને રાજ્યો દ્વારા કરવામાં આવેલા શ્રમ સુધારાને કારણે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં મોટે પાયે ભરતીઓ થઈ છે. હવે ગીગ અને પ્લેટફોર્મ વર્ક કમાણીનો એક મોટો સ્ત્રોત બનીને ઊભર્યો છે. નાણાકીય વર્ષ 2024ના આંકડા મુજબ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારમાં વાર્ષિક ધોરણે 6%નો વધારો નોંધાયો છે. એનો અર્થ એ છે કે નાણાકીય વર્ષ 2023ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2024માં આ સેક્ટરમાં 10 લાખથી વધુ નવી નોકરીઓ ઉમેરાઈ છે. આ આંકડો મેન્યુફેક્ચરિંગ સેક્ટરની મજબૂતી અને સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી યોજનાઓની અસર દર્શાવે છે. સરકાર હવે એક એવી ઇન્ટિગ્રેટેડ ડિજિટલ સિસ્ટમ બનાવવાનું કામ કરી રહી છે, જ્યાં બધો ડેટા એક જગ્યાએ હોય. આમાં ઈ-શ્રમ (અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો), NCS (નોકરીઓની ખાલી જગ્યાઓ) અને SIDH (તાલીમની તકો)ને એકસાથે લાવવામાં આવશે. આનાથી એ શોધવું સરળ બનશે કે કયા ઉદ્યોગને કેવા કામદારોની જરૂર છે અને તેમના માટે તાલીમ ક્યાં ઉપલબ્ધ છે. સર્વેમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કંપનીઓની જરૂરિયાત અને યુવાનોની કૌશલ્ય વચ્ચેના અંતરને ઘટાડવું પડશે. આ માટે વોકેશનલ ટ્રેનિંગ (વ્યાવસાયિક તાલીમ)ને શાળા સ્તરથી જ શરૂ કરવાનો સૂચન આપવામાં આવ્યું છે. મહિલાઓ અને યુવાનોને હાઈ-પ્રોડક્ટીવાળાં આ સેક્ટર્સ માટે તૈયાર કરવા માટે વિશેષ સ્કિલિંગ કાર્યક્રમો ચલાવવામાં આવશે. 4. ખેતી-વાડી: દેશની અડધી વસતિ ખેતી પર નિર્ભર છે. ઇકોનોમિક સર્વેમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે નાણાકીય વર્ષ 2026માં કૃષિવૃદ્ધિ 3.1% રહેવાની અપેક્ષા છે. અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2024-25માં અનાજનું ઉત્પાદન 3,320 લાખ ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જેનાથી મોંઘવારીને કાબૂમાં રાખવામાં ઘણી મદદ મળી છે. 5. સરકારી દેવું: કેન્દ્ર સરકારે રાજકોષીય ખાધ ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ કરી લીધું છે. નાણાકીય વર્ષ 2025માં એ જીડીપીના 4.8% રહ્યું, જ્યારે સરકારે નાણાકીય વર્ષ 2026 માટે 4.4%નું લક્ષ્ય રાખ્યું છે. સરકાર પોતાની કમાણી કરતાં વધુ જે ખર્ચ કરે છે એને ‘રાજકોષીય ખાધ’ કહેવાય છે. ખાધ ઓછી થવાનો અર્થ છે – મજબૂત અર્થતંત્ર અને ઓછી મોંઘવારી. 6. વિદેશી મુદ્રા ભંડાર: વિશ્વભરમાં મંદીના ભણકારા વચ્ચે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 2023-2024માં 668 બિલિયન ડોલર હતો. આ 2024-2025માં વધીને 701 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. આ ભંડાર જેટલો ભરેલો હશે, ડોલરની સરખામણીમાં આપણો રૂપિયો તેટલો જ મજબૂત રહેશે. 7. એક્સપોર્ટ: વિશ્વભરના વેપારમાં અનિશ્ચિતતા હોવા છતાં ભારતની કુલ એક્સપોર્ટ (માલસામાન અને સેવાઓ બંને મળીને) નાણાકીય વર્ષ 2025માં 825.3 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ. આ ગતિ નાણાકીય વર્ષ 2026માં પણ ચાલુ છે. ઇકોનોમિક સર્વેમાં સરકારે જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં ભારતની માલસામાનની નિકાસ એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન 2.4% વધી છે, જ્યારે સેવા નિકાસમાં 6.5%નો વધારો નોંધાયો છે. ઈકોનોમિક સર્વે શું હોય છે?
આ દેશની અર્થવ્યવસ્થાનું વાર્ષિક રિપોર્ટ કાર્ડ હોય છે. આમાં છેલ્લા 1 વર્ષમાં દેશની આર્થિક સ્થિતિનો પૂરો હિસાબ-કિતાબ હોય છે. આનાથી ખબર પડે છે કે આપણા દેશની અર્થવ્યવસ્થાની હાલત કેવી છે. ઈકોનોમિક સર્વેમાં વીતેલા વર્ષનો હિસાબ-કિતાબ અને આવનારા વર્ષ માટે સૂચનો, પડકારો અને સમાધાનનો ઉલ્લેખ હોય છે. ઈકોનોમિક સર્વેને સામાન્ય રીતે બજેટના એક દિવસ પહેલાં રજૂ કરવામાં આવે છે. ઈકોનોમિક સર્વે કોણ તૈયાર કરે છે?
નાણાં મંત્રાલયના ઈકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટની ઈકોનોમિક ડિવિઝન દર વર્ષે ઈકોનોમિક સર્વે કરે છે. તેની આગેવાની ઈકોનોમિક ડિવિઝનના ચીફ ઈકોનોમિક એડવાઈઝર (CEA) કરે છે. હાલમાં ડો. વી. અનંત નાગેશ્વરન આ ડિવિઝનના CEA છે. સર્વે કેમ જરૂરી છે?
ઈકોનોમિક સર્વે અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે. આનાથી ખબર પડે છે કે દેશની અર્થવ્યવસ્થા કેવી છે અને એમાં સુધારા માટે શું કરવાની જરૂર છે. શું આ રજૂ કરવું જરૂરી છે?
સરકાર સર્વેને રજૂ કરવા અને એમાં આપવામાં આવેલાં સૂચનો કે ભલામણો માનવા માટે બંધાયેલી નથી. સામાન્ય રીતે સરકાર તેનાં સૂચનો મુજબ જ બજેટ તૈયાર કરે છે. 1950-51માં રજૂ થયો હતો પ્રથમ સર્વે
દેશનો પ્રથમ ઈકોનોમિક સર્વે 1951માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે એ કેન્દ્રીય બજેટનો જ એક ભાગ હતો. 1964 પછી એને બજેટથી અલગ કરી દેવામાં આવ્યો. ત્યારથી બજેટ ડેના એક દિવસ પહેલાં ઈકોનોમિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવે છે.







