સુરત એરપોર્ટ પર ફરી ગ્રીન લેઝરનો ખતરો: 15 દિવસમાં બીજી ઘટના, વિમાન સુરક્ષાને લઈને ચિંતા

સુરત: સુરત એરપોર્ટ પર વિમાનની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. શહેરના કતારગામ વિસ્તારમાંથી અજાણ્યા શખ્સ દ્વારા લેન્ડિંગ દરમિયાન વિમાનની દિશામાં ગ્રીન લેઝર લાઈટ ફેંકવામાં આવ્યાની ઘટના સામે આવી છે. છેલ્લા 15 દિવસમાં આવી પ્રકારની આ બીજી ઘટના હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

મળતી માહિતી મુજબ, લેન્ડિંગ દરમિયાન પાયલટે ગ્રીન લેઝર લાઈટની અસર અનુભવી હતી. જોકે પાયલટની સમયસૂચકતા અને સતર્કતાના કારણે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળતા મળી હતી. કોઈ જાનહાનિ કે અન્ય અનિચ્છનીય ઘટના બની નથી.

વિમાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ અથવા ટેક-ઓફ દરમિયાન કોકપિટ તરફ લેઝર લાઈટ ફેંકવાથી પાયલટની દૃષ્ટિ અને એકાગ્રતા પર અસર થઈ શકે છે, જેના કારણે ઉડ્ડયન સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી અને સુરત પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે. લેઝર લાઈટ કયા સ્થળેથી અને કોણે ફેંકી તેની ઓળખ માટે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ટૂંકા ગાળામાં આવી બીજી ઘટના બનતા સુરક્ષા એજન્સીઓએ આ પ્રકારની બેદરકારીને ગંભીરતાથી લીધી છે. પોલીસ દ્વારા જવાબદાર વ્યક્તિઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail