મોરબી: મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં બનેલી યુવાનની હત્યાની ઘટનામાં પોલીસે ઝડપી કામગીરી કરીને ચાર આરોપીઓને કાયદાના સકંજામાં લઈ લીધા છે. હત્યા પાછળ દારૂના ગેરકાયદે ધંધાની માહિતી પોલીસ સુધી પહોંચાડવાની શંકા કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટના બાદ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી હતી. અજાણ્યા હુમલાખોરોએ એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો તેમજ બંદૂક વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મોરબી બી-ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પોલીસે શહેરની બહાર જવાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી હતી. સાથે જ અલગ-અલગ તપાસ ટીમો બનાવી આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે થાનગઢ અને વાંકાનેર હાઈવે વિસ્તારેથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે હત્યાના કાવતરામાં મૃતકના જ નજીકના સંબંધીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકના સગા કાકા અને પિતરાઈ ભાઈ સહિત ચાર લોકોએ મળીને હુમલાનું આયોજન કર્યું હતું.
કેસમાં ફારૂક ઉર્ફે બટુક, રીયાઝ ભટ્ટી, સમીર પીરજાદા અને નાઝીમ દિવાનની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર, આરોપીઓએ મૃતક પોલીસને દારૂના ધંધા અંગે માહિતી આપતો હોવાની શંકા રાખી દુશ્મનાવટ રાખી હતી.
પોલીસ રેકોર્ડ મુજબ, ધરપકડ કરાયેલા આરોપીઓ સામે અગાઉ પણ પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ ચારેય આરોપીઓને કસ્ટડીમાં રાખી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
મોરબી બી-ડિવિઝન પોલીસનું કહેવું છે કે હત્યાનું ચોક્કસ કારણ, ઘટનાની પૂર્વ યોજના અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે હજુ વધુ તપાસ ચાલી રહી છે.









