અમરેલી જિલ્લાના Bagsara તાલુકાના ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, પરપ્રાંતીય મજૂરના બાળક પર સિંહણે હુમલો કરી તેને ઉઠાવી ગઈ હતી. ઘટના પારસભાઈ સોજીત્રાની વાડી વિસ્તારમાં બની હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઘટનાના પગલે ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે વન વિભાગ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બગસરા પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની અત્યાર સુધીમાં 22 જેટલી ઘટનાઓ બની ચૂકી છે. ઘટનાને લઈને ગ્રામજનોએ માંગ કરી છે કે વનમંત્રી સ્થળ પર આવી લેખિત ખાતરી આપે, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.
વન વિભાગ દ્વારા ઘટનાની તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.









